ગામડી ગામનો ઇતિહાસ

                   આજનું 'ગામડી' એટલે કે સરકારી ચોપડે લખાતું 'કારેલી-ગામડી' ગામ. એનો ઈતિહાસ શોધવા માટે સૌપ્રથમ જવું પડે ગામના પાદરે હજું પણ ખંડેર છતાં અડિખમ ઉભેલા 'બંગલા' પાસે.અલાસ્હર અને રતાસ્હર તળાવની માટીને ખોદીને બારીકાઈથી જોવી પડે.ચદ્રેશ્વર મહાદેવનું દેરુ,હનુમાનજીની શાળા આગળ આવેલું નાનકડું મંદિર,ગોગા મહારાજનું મંદિર તથા ગામની સરહદ પર સ્થાપેલાં આસ્થાના પ્રતિકસમાન મંદિરો પાસે જઈને ચણાયેલા જડ પથ્થરોને પુછવું પડે !
                   
ગામની ઐતિહાસિક માહિતી: આજથી લગભગ પાંચસો વર્ષ પહેલા 'દરબાર' નામની ક્ષત્રિય જ્ઞાતીનું અહીં નાનકડું રજવાડું હતું. નાનીમોટી કોમો અહીં વસવાટ કરતી અને 'દરબારો' રાજ ચલાવતા. લોકશ્રુતિ મુજબ કોઈ કોમો વચ્ચે વિખવાદ કે ઝઘડો થતો ત્યારે કોઈને અન્યાય ન થાય એ ખાસ ધ્યાન રખાતું. અને લોકોને અલગથી વસવાટ કરવાની વ્યવસ્થા કરાતી. સૌરાષ્ટ્રમાં એને 'નેસડો', કચ્છમાં 'વાંઢ', કે મધ્યગુજરાતમાં જેને 'પરુ' તરિકે ઓળખવામાં આવે તેને અહિના લોકો 'ગામ' તરિકે ઓળખતાં. અંતે આ ગામનું નામ એ સમયનાં વસાવનાર રાજવી પરથી રખાતું.
                    આમતો અહિ વસતી પ્રજાનો ઈતિહાસ છેક 'સિંધુ સંસ્કૃતિ' સુધીનો અતિપ્રાચીન છે. ગામડીથી પાંચ કિલોમીટર પશ્ચિમ દિશા તરફ ચાલ્યા જાવ તો તમને ત્યા એના નમૂનાઓ નજરે ચડશે. બનાસકાંઠો અને એમાય વાવ તાલુકો 'પછાત' હોવાથી ઈતિહાસકારોની નજર હજુ પડી નથી.
                    લોકમતે કારેલીગામમાં રાજવી તગજીબાપુંએ પ્રજાને રંજાડનાર 'મામા' નામના બાબરા ભૂત(એ નામનો કોઈ વ્યક્તિ હોઈ શકે) સાથે ભયંકર દ્વંદ્વ-યુધ્ધ થયું હતું. કેટલાય દિવસોબાદ અંતે 'મામા'ની હાર થઈ અને 'તગજીબાપુએ લોકોને ભયમુક્ત કર્યાં. એ સમયે ત્યા રહેતાં લોકોએ 'બાપું' ના સન્માર્થે તેમનાં ગામનું નામ 'તખતપુરા' રાખી દિધું. ત્યારપછીતો આ ગામે અનેક સુખો ભોગવ્યાં. તખતપુરા મૂળ ગામડી ગામનું નામ હતું. પરંતુ 'બાપુ(તગજી)'નાં નામ પરથી નામ હોવાથી વહુવાડિઓ(મહિલાઓ) નામ બોલતાં સંકોચાતી. આથી તે ગામડિ જ કહેતી.
                    બીજી એક લોકશ્રૃતિ અનુસાર કારેલીથી દસેક ઘરો અલગ થઈને એક ગાઉનાં અંતરે વસ્યા. ત્યારે ગામનું નામ આપવા તગજી બાપું(દરબાર) પ્રવેશ્યા ત્યારે પિત્તળનો ઘંટ મળ્યો હતો. તે અત્યારે પણ છે. અને ત્યારથી દરવર્ષે આ ગામમાં કોઈનું ઘર, ઘાસ સળગી ઉઠે છે એટલે કે અગ્નિથી બળવાનાં બનાવ બને છે. જોકે અત્યારે આ ઘટના થતી નથી.
                    સમયાંતરે ગામનું નામ 'તખતપુરા' સાવ લુપ્ત થઈ ગયું. અંતે ગામનું નામ 'ગામડી' જ રહ્યું. ગામડી એટલે 'થોડા ઘરોનું ગામ'.
                    તગજીબાપુંની ગામની નજીક ઉત્તરદિશામાં દેરી આવેલી છે.  તેમની અંતિમવિધિ ત્યા થયેલી. આજે પણ ગામલોકો એમને વર્ષમાં એકવાર દર્શનાર્થે આવે છે. રોગચાળા વખતે બાધા કે માનતા પણ રાખે છે.
                   
ગામનાં પાદરે આવેલ ખંડેર બંગલો


અંગ્રેજી શાસનનું સ્થાપત્ય
અહિંથી પાકિસ્તાન માત્ર એકત્રીસ કિલોમીટર દુર છે. આ પ્રદેશ અગાઉ સિંધમાં ભળતો હશે એવું જણાઈ આવે. એક સમયે આ ગામની પશ્ચિમ દિશાએ દરિયો ઘુઘવાટા મારતો હતો. અને એટલે જ આ પ્રદેશનો ભાગ 'કાંઠો' તરિકે ઓળખાય છે. જે દક્ષિણગુજરાતમાં આવેલ 'કાંઠાળ' પ્રદેશથી બંધબેસે છે. અહીં 'રેલ' નામની નદી પણ વર્ષો પુર્વે વહેતી હતી.૨૦૧૬,'૧૮ માં આવેલ વૃષ્ટિમાં નદિએ પોતાનો મારગ સજીવન કર્યો હતો. આથી અહિંની પ્રજા 'રેલ' નામથી પ્રદેશ ઓળખાવે છે. 'કચ્છનું નાનું રણ' અહિંથી શરુ થાય છે. કચ્છમાં આવેલ કેટલાક પ્રદેશોના નામો મળતાં આવે છે. જેમકે; 'સુરાસરી', 'લાણાસરી', 'વરાભેડા',.....વગેરે.
                    ભારત ગુલામ બન્યું ત્યારે આ ગામ અંગ્રેજોનો વેપારી થાણુ હતો. http://www.facebook.com/story.php?story_fbid=934137790321796&id=100011767507023&scmts=scwspsdd&extid=XpJW3lRNopeOrhGsઅહિંથી અગ્રેજો પોતાના વ્યાપારની અવર-જવર કરતાં. આ માટે તેઓએ પાક્કા રસ્તાઓનું નિર્માણ કરાવ્યું. એ રસ્તા ઉપર એક પાક્કું 'ખોરડું' બંધાવ્યું. આજે પણ એ ખંડેર અવસ્થામાં મોજૂદ છે અને કેટલાક 'નાળા' ઓ પણ આવેલાં છે. ગામની નજીક અહિથીં તારની ટેલિફોન લાઈન જતી હતી. તે હમણાં સુધી હતી. અહિંથી થોડેક દૂર 'કસ્ટમ રોડ' આવેલો છે, નામ પરથી જણાઈ આવે કે અહીં અગ્રેજો આયાત-નિકાસ ટેક્સ ઉઘરાવતાં હતાં. એ સમયે પાકિસ્તાન-ભારત-લાહોર-કરાંચી જોડતો આ મોટો માર્ગ હતો. જે પણ હોય તે પરંતુ અા ગામ અનેક ઐતિહાસિક ઘટનાઓનો સાક્ષી બન્યો છે. આઝાદીની ચળવળ વખતે લોકોએ જોરશોરથી ભાગ લીધો હતો. આજ સુધી આ ગામમાં ગાંધીજીની પ્રિય ધુન સાથે પ્રભાતે પ્રભાતફેરી નીકળતી. અનેક સ્થાપત્યો ઈતિહાસની વાતો કોતરીને બેઠા છે. ગામની પુર્વ-પશ્ચિમે પાણીની તંગી નિવારવા માટે બે મોટા ઉંડા તળાવો અનુક્રમે 'અલાહર' અને 'રતાહર' તળાવો આવેલા છે. 


ગામની ભૌગોલિક માહિતી:

           'તખતપુરા' ગામ અત્યારે 'કારલી-ગામડી' સંયુક્ત નામ ઉચ્ચારવાળું ગામ છે.એની ભૌગોલિક સ્થિતિ આ પ્રમાણે છે.
           ગાંધીનગરથી ૨૨૮ કિલોમીટર, પાલનપુરથી ૧૩૨ કિલોમીટર, તથા વાવ તાલુકાથી ૩૧ કિલોમીટર દૂર આ ગામ આવેલું છે.અહિંના નજીકનાં ગામડાઓ ચોથાનેસડા(4KM), કુંડાલિયા(5KM), ટડાવ(6KM), ચોટીલ(10KM),  ફાંગડી(10KM), તથા કારેલી ગામથી(2KM) દૂર છે. તથા અહિથી માત્ર ૪૦ કિલોમીટર પાકિસ્તાન દેશ આવેલો છે. આથી બનાસકાંઠા જિલ્લાની સરહદનું ગામ ગણાય છે. રાજસ્થાન રાજ્યથી માત્ર ૧૦કિલોમીટર દુર છે.
           'ગામડી' ગામની સરહદ દિશા પ્રમાણે નીચે મુજબ છે:

ઉત્તર: કુંડાલિયા, માવસરી, જોરડીયાળી ગામો બાદ રાજસ્થાન(બાખાસર) રાજ્ય આવેલું છે


દક્ષિણ: ચોથારનેસડા, ચંદનગઢ ગામો તથા દિયોદર,ભાબર,સુઈગામ તાલુકાઓ આવેલાં છે.કચ્છનું નાનું રણ અડીને આવેલું છે.


પૂર્વ:  કારેલી, બાલુંત્રી, થરાદ તાલુકો તથા રાજસ્થાનનો સાંચોર જિલ્લો આવેલો છે.


પશ્ચિમ: કચ્છનું નાનું રણ અને પાકિસ્તાન દેશની સરહદ આવેલી છે.


      'કારેલી-ગામડી' ગામમાં મુખ્ય વસ્તી ઠાકોરની છે તે ઉપરાંત મારવાડી પટેલ, દેશી (આંજણા) પટેલ, કુંભાર, દરજી, બ્રાહ્મણ, રાબારી, લુહાર, ગૌસ્વામી જ્ઞાતીનાં હિંદુ ધર્મ પાળતાં લોકો વસે છે.
એક ઘર જૈન ધર્મના પરિવારનો છે સન્ ૨૦૦૨ પહેલાં અહિ બે ઘર મુસ્લિમોનાં હતાં. આમ છતાં આ લોકોને જરાય કશાય વાતે ભેદભાવ નથી. ભોળી પ્રજા માયાળું, દયાળું, અને શ્રધાળું છે.


ગામની સાંસ્કૃતિક માહિતી: અહિંના પરિવારો પોતાનાં ગામડાની સંસ્કૃતિનું સન્માન જળવાય અને દિપી ઉઠે તેવો પોશાક પહેરે છે. પુરુષો ધોતી(પોતડી), કડિયું અથવા પહેરણ અને માથા ઉપર રજવાડી રંગીન પાઘડી બાંધે છે. જ્યારે સ્ત્રીઓ ઘાઘરો અને ઉપર શોભે એવું રંગીન ઓઢણું ઓઢે છે. છોગા મૂકાવેલ કબજો પહેરતી ગ્રામય સ્ત્રીઓ ઘરેણાના શૃંગારની શોખીન છે.


             સ્ત્રીઓ પગમાં ચાંદીના કડલાં, તોડા, તોડિયાં, સાંકળાં, લંઘર પહેરે છે. હાથમાં બંગડી, ચૂડ, ગજરા, ઘોડ અને લક્કી પહેરે છે. ગળામાં સોનાના વિવિધ ડિઝાઈન વાળા ચોટિયા, ઓમ, ડોડિ, ઝુમ્મર, બુટી, કડી, મરકી, પાનડી, વેઢ, ચંગલી, ડોયણાં જ્યારે હાથની આંગળીયોમાં સોનાના અથવા ચાંદીની વીંટીઓ પહેરે છે. અહીંના પુરુષ પણ ઘરેણાંઓ વારતહેવારે પહેરે છે. લગ્નપ્રસંગો વખતે સોળે શણગાર સજીને નવદંપતીને વીંટી ભેટ આપવાની અનોખી પ્રથા છે. રબારી જાતિની સ્ત્રીઓ હાથ, ગાલ, પગ ઉપર છૂંદણાં દોરાવે છે.
બેસતાં વરસનાં દાડે લોકો જારભટારા(સ્નેહમિલન) કરવાં એકબીજાનાં ઘરે મળવા જાય છે.દરબારો ઘોડા દોડાવે છે. ઠાકોરોનું 'મેરાયો' લોકનૃત્ય અદભૂત વીરરસ વાળું હોય છે. લોકો કારેલી અને ગામડી એકબીજાને ત્યા મળવા જાય છે.
             અહિંના લોકો મુખ્યત્વે શાકાહારી છે. કુરિવાજો અને અંધશ્રદ્ધાનો ભોગ બનેલી અહિંની પ્રજા ઠિકઠિક સાક્ષર છે. ૧૯૫૪માં સ્થપાયેલી પ્રાથમિક શાળા કારેલીમાં ભણવા જતાં ત્યારબાદ શ્રી કારેલી ગામડી પ્રાથમિક શાળા સ્થપાયેલી. તેમનો મુખ્ય ખોરાક બાજરીનો રોટલો અને શાક છે. ખાસ કરીને ઘરની ગાય-ભેંસનું ઘી, દહીં, દુધ, માખણ, અને છાશનો ઉપયોગ કરે છે. ગરિબ લોકો સૂંકું મરચું પાણીથી ભીંજવીને અથવા રોટલો અને છાશ મરચું વઘારીને ખાય છે. 'છાશ વઘારવી' એ અહીંનું પ્રિય ભાણું છે. લોકો છાશમાંથી 'કઢી' બનાવીને ખાય છે.
ધન્યવાદ.



સાભાર::

શ્રી કારેલી ગામડી પ્રાથમિક શાળાનો આભાર,
આચાર્ય સાહેબશ્રીનો આભાર.

શબ્દો:- હું સુરેશ પ્રાથમિક શાળામાં પ્રવાસીય શિક્ષક તરીકે સેવા આપું છું. આ મારા શિક્ષક એન.એચ.સુથાર સાહેબનાં લખેલાં કાગળ પર આધારિત લખાણ છે. ભૂલ હોય તો ધ્યાન દોરવાં વિનંતી.

     

Comments

બહુ સુંદર લખાણ...ગ્રામ્ય ઇતિહાસનું સરસ આલેખન..
Husain Juneja said…
વાહ..... તમે કશુંક નહીં... ઘણું બધું છો...
આપનું લેખન અદભુત થઈ ગયો.. અને આજ સુધી ઇતિહાસ કારોની નજર અહીં નથી પડી... એનું કારણ પણ એ જ છે કે તમારા જેવા લેખક કોઈ નથી થયા.....
mukesh modi said…
Khubj saras mahiti api sahebji....
સુરેશ said…
આભાર સાહેબ

Popular Posts