મારો OUTPASS

 

આઉટપાસ એટલે ; 'તાલીમ કરતા તાલીમાર્થીઓને જ્યારે મહેરબાન અધિકારી તહેવારોમાં સમુહરજા આપવામાં કંજુસાઈ કરે ત્યારે તેઓ ટૂંકા સમયાવધિમા બહાર જઈને તહેવારો મનાવવા ઉદારતા દેખાડીને અવકાશ આપે તે.' આવી વ્યાખ્યા ગ્રીસના કોઈક ફિલોસોફરે હસી મજાકમાં એકવખત તેના નાગરિકોને કહ્યું હતું. દરેક જગ્યાએ બહાર જવાના પરવાના આવા જ હોય છે.
જૂનાગઢમાં મારી તાલીમ અને આ તાલીમમાં મળતા મોટાભાગના આઉટપાસ મે પોતે સમાધિમાં વિતાવ્યા છે. સમાધિ જેવું સુખ જગતમાં બીજે ક્યાંય નથી એવું ઋષિમુનિઓ લખીને ગયા એ વાચ્યું ત્યારથી હું મારી સમાધિવસ્થા પર વધુ ભાર આપુ છું. પરંતુ એક વખત મને ભૂતકાળમાં વાચેલો એક દોહરો યાદ આવી ગયો;


સોરઠ દેશ ન સંચર્યો , ન ચડયો ગઢ ગિરનાર;

ન નાહયો  દામો રેવતી,અફળ ગયો અવતાર.


   હવે આ વાચ્યા બાદ કોઈપણ મૂઢ વ્યક્તિને પણ સમજાઈ જાય કે અવતારને કેમ સફળ બનાવવો પરંતુ કઠણાઈ એ છે કે આવા લોકો પોતાને અવતાર સ્વરૂપે નથી ગણતા હોતા એટલે એ ગિરનાર અને સોરઠ દેશની પરિક્રમા પણ નથી કરતા પરંતુ મને સતત એવું થયા કરે છે કે હું પોતે એક મહાન અવતાર છું , વિભૂતિ છું. એકવખત હું પણ આ લૌકિક જગતનેને જ્ઞાન આપીને મોક્ષનો માર્ગ દેખાડીશ. પણ ક્યારેક ક્યારેક લોકો મને જ્ઞાન આપીને જતા રહે ત્યારે મને મારામાં કઈક ઉણપ છે એવું જણાય ખરું !  મારા આવા અનન્ય અવતારને સાર્થક કરવો જ રહ્યો. હું મહાન છું અને લોકો મને પહેલેથી મહાન સમજે છે એવી પ્રતીતિ મને નીચેના દોહરોઓ ઉપરથી સમજાણું છે. 


વા ફરે વાદળ ફરે, ફરે નદીના પુર,

શુરા ના બોલ્યા ના ફરે, ભલે પચ્ચિમ ઉગે સૂર.


મને સંબોધીને આવા કેટલાય દુહાઓ લખાણા છે. આ ઉપરથી મને લાગે છે કે લોકોને મારા જન્મ પહેલાથી મારા આવા અનેક અસામાન્ય લક્ષણોની જાણ થઈ ગઈ હશે. કેમ થઈ હશે અને શા કારણે થઈ હશે એ લોકોને વિચારવાનું છે પણ મારી આવી સ્તુતિઓ વાચ્યા બાદ મારામાં અનેક ગણો અહંકાર આવી જાય છે. અહંકાર તો રાજા રાવણનો  પણ નથી રહ્યો. અહંકારના કારણે મારો અવતાર અફળ જાય એ કેમ પોશાય ! મારા આ અહંકારને નાથવા માટે મારે ગિરનાર અને દત્ત શિખર ચડવું જોઈએ એવો મને મારા અચેતન મનમાં વિચાર ચમક્યો અને તરત જ હું સમાધિ અવસ્થામાંથી ઝબકી પડ્યો. મારું ચેતન મન વિચારે એ પહેલાં તો મે બૂટની દોરી ટાઇટ કરી લીધી હતી. અહંકારને મારવા હરવખત ભગવાનને અવતાર લેવાની જરૂર નથી ક્યારેક વ્યકિતએ કેટલાક એવા કાર્યો અંજામ આપવા જોઈએ જેથી વ્યક્તિ ખુદને વામન સમજે, એથી એના પગ જમીન પર રહે છે. એવા અતિ દુર્લભ જ્ઞાનની મને સમજ થઈ આવી. નહિ ચડી શકું તો મારો ઉપરોક્ત અહંકાર ભાગી પડશે - દુનિયા જીતવી જ છે એવો એલેક્ઝાન્ડરે નિશ્ચય કર્યો હતો એવી જ રીતે અહંકારને માત આપવી જ છે એવો સંકલ્પ મે લઈ લીધો હતો. યોગાનુયોગ એ વખતે , એ  મહાભિનિશ્ક્રમણના દિવસે આઉટપાસ હતો. ઉપર જે ગતિથી ભિત પંખો ફરે છે એની કઈક લાખો ગતિથી વિચારું છું કે જો આઉટ પાસ એ દિવસે ના હોત તો.... ! તો હું આ વખતે રાતે ક્યારેય ના કુદેલી પાંચ ફૂટની દિવાલ કૂદવા મજબૂર થાત અને ઠબબ્ કરતો કૂદી જાત. અને હું નીકળી પડ્યો પીટીસી વાયા કાળવાથી ભવનાથ.આ એક સંકેત છે અવતારને સાબિત કરવાનો અને અહંકારને હરાવવાનો એવું સમજીને એક પછી એક પગથિયાં માંડ્યા ઠેકવા ! મને જોઈને જંગલના દિલદાર મિલનસાર વાંદરાઓ મને અહોભાવથી જોઈ રહ્યા હતા. ઝાડવાઓ એકદમ સ્થિર થઈને મને મૌન આશીર્વાદ આપે જતા જતા. રોપ-વેના સંચાલકોએ જાણે મારી આ માર્ચ જોવા સારું મિનિટે મિનિટે પોતાની રોપ-વે  થંભાવી દેતા હતા. ઉપર મેઘરાજા મારી સંભાળ સતત લઈ રહ્યા હતા. મારા પવિત્ર ચરણપાદુકાઓને ગિરનારના હરખઘેલા થઈ ગયેલા ઝરણાઓ પખાળી રહ્યા હતા. ગિરનાર સ્વયં મારી માર્ચ જોવા પોતાનું ડોકું અદ્ધર કરીને જોતાં હોય એવું લાગતું હતું. આમ છતાં પણ મારી મુસીબતોનો  પાર નહોતો. દુકાનદારો મને કાકડી અને લીંબુ શરબત માટે લલચાવવા હતા તો કોઈક માણસ પગથિયે બેસી જઈએ મને પણ બેસવાનું કહેતા હતા. મારા શરીરે અવિરત ધોધ વહી રહ્યા હતા. મુસીબતો મહાન માણસોના માર્ગમાં જ આવે છે એ વાક્ય મને સતત યાદ આવવાથી હું હાફેલાં શ્વાસો સાથે ધમણની જેમ ડુસકા ભરતો હોઉં એમ એક પછી એક સીધા ચઢાણ ચડયે જતો હતો. નેમિનાથ ભગવાનની ટુંક, વસ્તુપાળ અને તેજપાલના હસ્તાક્ષરો સમાં મંદિરો તથા જૈન અસંખ્ય દેરાસરો કેમ અને કેવી રીતે બન્યા હશે એ વિચારો કરીને મારો થાક હળવો થઈ જતો હતો. અંબે માતાનું મંદિર ગબ્બરની યાદ દેવડાવ્યું ત્યારે મારું વતન ગોરખનાથ અને દત્ત શિખરની વચ્ચે તરતું હોય એવું લાગતું હતું ! પહેલા એક વાર્તા વાંચી હતી એનો સાર એટલો હતો કે ભીડ હંમેશા તળેટીમાં હોય છે ટુંક પર નથી હોતી. પરંતુ અનુભવ પછી એવું લાગ્યું કે આ વાત તો આજે ખોટી છે. એનું કારણ પેલી રોપ-વે - પૈસા આપીને માણસ હવે ભગવાનને મળવા આવતા થઈ ગયો છે !  અઢી કલાકમાં તો હું હું પોતે ગિરનારના શિખરો પર હતો. હાફેલા શ્વાસોએ મને શિખર સુધી પહોંચાડી દીધો ત્યારે ફરીથી મારો વિષેલો સર્પ સમો અહંકાર હવે તો દોઢ ગણો વધી ગયો હતો. માનો કે એણે ગિરનારની ઊંચાઈ સર કરી લીધી હતી. જેમ મે અતીતમાં એ.એસ.આઇની એક્ઝામ પાસ કરી ત્યારે આઇ.એ.એસ તો આરામથી બનીશ એવો વર્તમાનમાં મને અહેસાસ થાય છે એવી જ રીતે ગિરનાર ચડીને મારે એવરેસ્ટ ચડવા પ્રયત્ન કરવો જોઈએ એવા વિચારો મને હવે આવવા લાગ્યા છે. કોઈક કવિએ લખ્યું છે  છે કે એવરેસ્ટ તો સર કરી લીધો હવે હું કદમ ક્યાં મૂકું એવી દશા આજે મારી  ગિરનાર ચડ્યા પછી થઈ છે. 






સુરેશ 'કશુંક'

તારીખ -૩૦/૦૮/૨૦૨૩

શ્રાવણી પૂનમ.  

Comments

Popular Posts